લાલ કિલ્લો
- આ લેખ દિલ્હીના લાલ કિલ્લા વિશે છે, આગ્રાનો કિલ્લો પણ "લાલ કિલ્લા" તરીકે ઓળખાય છે.
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ |
---|
લાલ કિલ્લો (હિન્દી: लाल क़िला), ભારતનાં દિલ્હીમાં જુના દિલ્હીમાં આવેલો છે. જેનો ૨૦૦૭માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળો (UNESCO World Heritage Site) માં સમાવેશ કરાયેલ છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]લાલ કિલ્લો અને 'શાહજહાંનાબાદ' શહેર, સને ૧૬૩૯ માં,શહેનશાહ શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલ. [૨]
લાલ કિલ્લો મૂળ તો "કિલ્લા-એ-મુબારક","સુખનો કિલ્લો" તરીકે ઓળખાતો, કારણકે તે રાજવી કુટુંબનું નિવાસ સ્થાન હતું. લાલ કિલ્લાની રૂપરેખા 'સલિમગઢ કિલ્લા'ની સાથે સ્થાઇ અને એકીકૃત રહે તે રીતે આયોજીત કરાયેલ. મધ્યકાલિન શહેર શાહજહાંનાબાદનું મહત્વનું કેન્દ્રબિંદુ દુર્ગમહેલ હતું. લાલકિલ્લાનું આયોજન અને 'સૌંદર્ય શાસ્ત્ર' (aesthetics) મુઘલ રચનાત્મક્તાનાં શીરોબિંદુ સમાન છે,કે જે શહેનશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન પ્રબળ હતી. શાહજહાંને આ કિલ્લો બંધાવ્યા પછી તેમાં ઘણાં સુધારાઓ કે વિકાસ કરાયા છે. વિકાસનો મહત્વપૂર્ણ તબક્કો ઔરંગઝેબ અને તેના પછીના શાસકોના સમયમાં આવેલો. ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી, બ્રિટિશ શાસનનાં સમયમાં, આ આખી જગ્યાની રચનામાં મહત્વના ભૌતિક ફેરફારો કરવામાં આવેલ. સ્વતંત્રતા પછી,આ સ્થળે બહુ ઓછા માળખાગત ફેરફારો કરવામા આવેલ છે. બ્રિટિશ શાસનના સમયમાં આ કિલ્લો મુખ્યત્વે લશ્કરી છાવણીના રૂપમાં વાપરવામાં આવતો, આઝાદી પછી પણ, છેક ઇ.સ. ૨૦૦૩ સુધી, આ કિલ્લાનો મહત્વનો હિસ્સો લશ્કરનાં નિયંત્રણ હેઠળ હતો.
લાલ કિલ્લો એ મુઘલ સમ્રાટનો, નવા પાટનગર શાહજહાનાબાદ સ્થિત, મહેલ હતો. શાહજહાનાબાદ દિલ્હી વિસ્તારનું સાતમું શહેર થયું. તેમણે પોતાના રાજ્યને ભવ્યતા પ્રદાન કરવા અને પોતાના હીત અને ભવ્ય ઇમારતોના નિર્માણનાં સ્વપ્નોને સાકાર કરવાની પર્યાપ્ત તક પ્રાપ્ત કરવા માટે પોતાનું પાટનગર આગ્રાથી અહીં ફેરવ્યું.
આ કિલ્લો યમુના નદીનાં કિનારે સ્થિત છે, જે મોટાભાગની દિવાલોની ચારો તરફ ખાઇથી ઘેરાયેલો છે.તેની ઉત્તર-પૂર્વ તરફની દિવાલ જુના કિલ્લા, સલીમગઢ કિલ્લા, સાથે સંલગ્ન છે, જે સને ૧૫૪૬ માં ઇસ્લામ શાહ સૂરી દ્વારા રક્ષણ હેતુ ચણવામાં આવેલ. લાલ કિલ્લાનું બાંધકામ સને ૧૬૩૮ માં શરૂ થયું અને સને ૧૬૪૮ માં સંપન્ન થયું.
માર્ચ ૧૧ ૧૭૮૩ નાં રોજ, થોડા શીખોએ કિલ્લામાં પ્રવેશ કરી અને 'દિવાને આમ'નો કબ્જો કરેલ. વાસ્તવમાં શીખોના સહયોગમાં મુઘલ વજીરે શહેરનું સમર્પણ કર્યું હતું. આ ઘટનાને 'કરોર સિંઘીયા મિસ્લ'નાં સરદાર ભાગલસિંઘ ધાલિવાલની સરદારી હેઠળ સંપન્ન કરવામાં આવેલ.
બહાદુર શાહ ઝફર, છેલ્લો મુઘલ સમ્રાટ હતો જેનો આ કિલ્લા પર કબ્જો રહેલ. મુઘલ સત્તા અને રક્ષણની ક્ષમતા ધરાવતો હોવા છતાં આ કિલ્લો, ૧૮૫૭ માં, અંગ્રેજો સામેનાં સંઘર્ષ દરમિયાન રક્ષણ આપી શક્યો નહીં. ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતા પછી, બહાદુર શાહ ઝફરે આ કિલ્લો ૧૭ સપ્ટેમ્બરનાં છોડી દીધો. તેઓ ફરી આ કિલ્લામાં અંગ્રેજોનાં કેદી તરીકે આવ્યા. ઝફર પર જાન્યુઆરી ૨૭ ૧૮૫૮માં મુકદમો ચાલ્યો અને ઓક્ટોબર ૭નાં તેમને દેશનિકાલની સજા કરાઇ.
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭,ભારત સ્વતંત્રતા રાષ્ટ્ર બન્યું. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા, લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આજ દિન સુધી, આ દિવસે,ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રજોગ સંબોધન કરવાની પ્રથા જીવંત છે.
વાસ્તુકલા ડિઝાઇન
[ફેરફાર કરો]લાલ કિલ્લો ઉચ્ચત્તમ કલા કારીગરી અને સજાવટનું પ્રદર્શન છે.આ કિલ્લાની કલા કારીગરી પર્શિયન,યુરોપિયન અને ભારતીય કલાઓનું સંમિશ્રણ છે,જેનાં પરીણામ સ્વરૂપ અદ્વિતીય શાહજહાની શૈલીનો વિકાસ થયો જે રૂપ,અભિવ્યક્ત્તિ અને રંગોથી પ્રચુર છે. દિલ્હીનો લાલ કિલ્લો,ભારતનાં મહત્વપૂર્ણ ભવન પરિસરમાંનો એક છે જે ભારતીય ઇતિહાસ અને તેની કલાનાં એક લાંબા યુગને સાચવીને ઉભો છે. તેનું મહત્વ સમય અને સ્થળથી પરે છે.તે સ્થાપત્યની પ્રતિભા અને સત્તાનું પ્રાસંગિક પ્રતિક છે. ભાવી પેઢી માટે,૧૯૧૩માં તેને રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે ઘોષીત કરતી અધિસુચના બહાર પડાયા પહેલાથી,તેના રક્ષણ અને સંરક્ષણનાં પ્રયાસો હાથ ધરાયેલા હતા.
કીલ્લાની દિવાલો ભારે કલાત્મક કોતરણી કામથી શુશોભિત છે. તેમાં બે મુખ્ય દ્વાર આવેલ છે,દિલ્હી દરવાજો અને લાહોર દરવાજો. લાહોર દરવાજો મુખ્ય પ્રવેશદ્વાર છે; તે એક લાંબી છાજેલી બજાર ગલી (bazar street),'છત્તા ચોક' (Chatta Chowk),તરફ ખુલે છે. તેની દિવાલોએ અડીને દુકાનો આવેલ છે. છત્તા ચોક એક વિશાળ ખુલ્લા ચોગાનમાં ખુલે છે જ્યાં તે વિશાળ ઉત્તર-દક્ષિણ ગલીને પાર કરે છે,જે ખરેખરતો કિલ્લાનાં પશ્ચિમ તરફનાં લશ્કરી વિભાગ અને પૂર્વ તરફનાં મહેલ વિભાગને વિભાજીત કરે છે. આ ગલીનો દક્ષિણ છેડો એટલે દિલ્હી દરવાજો.
કિલ્લાની અંદરના મહત્વના બાંધકામ
[ફેરફાર કરો]દિવાને આમ
[ફેરફાર કરો]આ દરવાજાની આગળ એક મોટુ ખુલ્લુ મેદાન આવે છે, જે શરુઆતમાં દિવાને આમના આંગણા તરીકે વપરાતુ હતું. રાજા આમ જનતાને અહીં મળતા હતી. તેમાં સમ્રાટ માટે એક અલંકારીક ઝરુખો છે. તેના થાંભલા સોનેરી રંગે રંગાયેલા હતા તનો સિંહાસન ચાંદીના કઠોડાથી સંરક્ષિત હતો. તે રાજાને પ્રજાથી દૂર રાખવામાં આવતો.
નહરે બહિસ્ત
[ફેરફાર કરો]રાજકીય વ્યક્તિ વિશેષના ઘરો સિંહાસનની પાછળ આવેલા છે.આઘરો કિલાની પૂર્વી તરફની દિવાલની બાજુમાં યમુનાની સમ્મુખ આવેલા છે. આ ઘરોનો સમુહ એક સળંગ નહેર દ્વારા જોડાયેલા છે. આ નહેર નહરે બહિસ્ત તરીકે ઓળખાય છે.જેનો અર્થ સ્વર્ગીય નહેર એવો થાય છે. તે દરેક ઘર સમુહની મધ્યમાંથી નીકળે છે. આ નહેરમાં પાણી યમુના નદી, અને કિલ્લાની ઉત્તર પશ્ચિમ માં આવેલ એક મિનાર શાહ બુર્જ માંથી આવે છે અહીંના મહેલની રચના ઈસ્લામિક પ્રણાલી પર અધારીત છે. પણ તેની દરેક ઈમારત પર હિંદુ શૈલીની છાપ સ્પષ્ટ જણાઈ આવે છે. લાલ કિલ્લાના મહેલ ક્ષેત્રને મોગલ વસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો માનવામાં આવે છે.
ઝનાના
[ફેરફાર કરો]આ ક્ષેત્રના બે અંતિમ છેડા પર આવેલા ગૃહ મહિલા માટે ખાસ બનેલા હતા તેમને જનાના તરીકે ઓળખાતા હતાં. તેને મુમ્તાઝ મહેલ, હવે સંગ્રહાલય એક મોટું અને આલીશાન મહેલ છે. રંગ મહેલ તેની સોનેરી રંગે રંગાયેલ છત અને આરસના હોજ માટે પ્રસિદ્ધ છે. આ હોજમાં નહેર એ બેહીશ્તમાંથી પાણી આવતું હતું.
મોતી મસ્જીદ
[ફેરફાર કરો]હમામની પશ્ચિમ તરફ મોતી મસ્જીદ આવેલી છે. આને પાછળથેએ ઉમેરવામાં આવી હતી. તે શહાજહાનન પાટવી ઔરંગઝેબની અંગત મસ્જીદ હતી જેને ૧૬૫૯માં બાંધવામાં આવી હતી. આ એક ત્રણ ગુંબજ ધરાવતી નાનકડી આરસની બનેલ મસ્જીદ છે. તેને ત્રણ કમાન છે જે આંગણામાં ઉતરે છે
હયાત બખ્શ બાગ
[ફેરફાર કરો]આની ઉત્તરે એક મોટું પારંપારિક ઉદ્યાન છે, જેને હયાત બખ્શ બાગ, કે "જીવન દાયી ઉદ્યાન", જેને બે એકબીજીને છેદતી નહેર દ્વારા બનેલ છે. નહેરના ઉત્તર અને દક્ષીણ બનેં છેડે શમિયાણાં છે,અને ત્રીજો, ૧૮૪૨માં અંતિમ રાજા દ્વારા બનાવાયો છે, બહાદૂર શાહ ઝફર દ્વારા, તે તળાવના કેન્દ્રમાં બંધાયેલ છે જ્યાં બે નહેર મળે છે.
કિલ્લો વર્તમાનમાં
[ફેરફાર કરો]લાલ કિલ્લો પ્રાચીન દીલ્હીમાં આવેલ એક પ્રમુખ પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે, દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે. આજ સ્થળેથી ભારતના વડા પ્રધાન ૧૫મી ઓગસ્ટ ભારતીય સ્વાતંત્ર્ય દિવસે દેશને સંબોધે છે. આ પ્રાચીન દીલ્હી નું સૌથી મોટું સ્મારક છે.
એક સમયે, દીલ્હીના કિલ્લાની અંદર ૩૦૦૦ થી વધુ લોકો રહેતાં હતાં. પણ ૧૮૫૭ના રાષ્ટ્રીય ઉત્થાન પછી, આ કિલ્લા પર બ્રિટીશ રાજ નો તાબો થયો અને તેની અંદરના રહેણાંકને ધ્વસ્ત કરી દેવાયા. તેને બ્રિટીશ ભારત સેનાનું મુખ્યાલય બનાવવામાં આવ્યું. રાષ્ટ્રીય ઉત્થાનના તુરંત બાદ, બહાદૂર શાહ ઝફર પર આ કિલ્લામાં મુકદમો ચલાવવામાં આવ્યો. અહીં જ નવેંબર ૧૯૪૫ના ભારતીય રાષ્ટ્રીય સેનાના ત્રણ અધિકારીને બરતરફી (કોર્ટ માર્શલ) યોજાઈ. ૧૯૪૭માં સ્વતંત્રતા મળ્યાં બાદ ભારતીય સેના એ આ કિલ્લાનો તાબો લીધો. ડિસેમ્બર ૨૦૦૩માં ભારતીય સેના એ આ કિલ્લા પરનો કબ્જો છોડી તેને ભારતીય પ્રવાસ વિભાગને સોંપી દીધી.
આ કિલ્લા પર ડિસેમ્બર ૨૦૦૦માં લશ્કરે તોયબા નામના આતંકવાદી સંગઠન દ્વારા હુમલો થયો જેમાં બે સૈનિકો અને એક નાગરિક માર્યા ગયા. પ્રસાર માધ્યમો એ આને ભારત-પાક શાંતિ વાર્તા ભંગ કરવાનો એક પ્રયાસ બતાવ્યો.
છબીઓ
[ફેરફાર કરો]-
મુખ્ય પ્રવેશદ્વાર-લાહોર દરવાજો
-
મુખ્ય પ્રવેશદ્વાર,અન્ય દેખાવ
-
કમાનો,દિવાને આમ
-
રંગ મહેલ - સ્ત્રીઓનું રહેઠાણ
-
દિવાને ખાસ (ડાબે) અને ખાસ મહેલ (જમણે)
-
દિવાને ખાસ,આંતરીક સજાવટ
-
દિવાને ખાસ
-
મોતી મસ્જીદ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ લાલ કિલ્લા પરિસર - UNESCO વિશ્વ ધરોહર કેન્દ્ર
- ↑ વિવાદ: જો કે આ કિલ્લો ૧૬૩૯ માં બંધાયેલો, ૧૬૩૮ માં ફારસી રાજદુતે મેળવેલા દસ્તાવેજો અને શાહજહાંના ચિત્રોમાં લાલ કિલ્લાના દિવાને આમ નાં ઝરૂખાઓ વગેરેનું ચિત્રણ છે.આ ચિત્રો 'બોડલેઇન સંગ્રહાલય,ઓક્ષફર્ડ'માં સંરક્ષિત છે,જે ભારતના 'ઇલેસ્ટ્રેટેડ વિકલી'ના માર્ચ ૧૪,૧૯૭૧નાં અંકમાં પાના ૩૨ પર પ્રકટ કરાયેલ.જો કે આ ચિત્રો દિલ્હીનાં નહીં પરંતુ લાહોરના ઝરૂખાઓ દર્શાવે છે. જુઓ 'મુઘલ સ્થાપત્યનો ઇતિહાસ' આર.નાથ,અભિનવ પ્રકાશન,૨૦૦૬.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]Red Fort વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
શબ્દકોશ | |
પુસ્તકો | |
અવતરણો | |
વિકિસ્રોત | |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો | |
સમાચાર | |
અભ્યાસ સામગ્રી |
- લાલ કિલ્લો, દિલ્હી સંગ્રહિત ૨૦૦૮-૦૬-૧૬ ના રોજ વેબેક મશિન
- લાલ કિલ્લાનાં ચિત્રો