લખાણ પર જાઓ

વિકેટ કીપર

વિકિપીડિયામાંથી
ફેંકાતા દડાનો સામનો કરવા તત્પર એક વિકેટ-કીપર, તેની લાક્ષણિક મુદ્રામાંધીમી ગતિએ દડો ફેંકનાર બૉલર અથવા સ્પિન બૉલર માટે વિકેટથી નજીક "સ્ટૅન્ડિંગ અપ" સ્થિતિમાં વિકેટ કીપર
વિકેટ-કીપિંગ હાથમોજાંની જોડબૉલને કૅચ કરવામાં કીપરને મદદરૂપ થનારી અંગૂઠા અને તર્જની (અંગૂઠા પાસેથી આંગળી) વચ્ચેની જાળી જોઈ શકાય છે
ચિત્ર:Stumping edited.jpg
ભારતનો મહેન્દ્રસિંઘ ધોની 2008માં ચેન્નઈ ખાતે રમાયેલી મૅચ દરમ્યાન દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅનને સફળતાપૂર્વક સ્ટમ્પ આઉટ કરી રહ્યો છે
ઍડમ ગિલક્રિસ્ટ 2005માં શેન વૉર્ન સામે તત્પર ઊભો છે.બૅટ્સમૅન ઍન્ડ્રયુ સ્ટ્રૉસ છે.

ક્રિકેટની રમતમાં વિકેટ કીપર (તેને વિકેટકીપર અને ઘણીવાર ટૂંકમાં એકલું કીપર પણ લખાય છે) એક એવો ખેલાડી છે જે દાવ આપનારી (ફીલ્ડિંગ) બાજુનો ખેલાડી હોય છે અને વિકેટ અથવા સ્ટમ્પની પાછળ ઊભો રહે છે, જે તત્કાલીન દાવ લેનાર બૅટ્સમૅન પાસેથી નીકળેલા દડાને પકડે છે. દાવ દેનાર ટીમના એક માત્ર ખેલાડી આ વિકેટ કીપરને જ હાથમોજાં અને પગ-સંરક્ષણ માટે વધારાના પૅડ પહેરવાની છૂટ હોય છે.[]

કીપરની ભૂમિકા અનિવાર્ય રૂપે વિશેષજ્ઞની હોય છે તેમ છતાં ક્યારેક તેને બૉલિંગ કરવા માટે બોલાવવામાં આવે છે, એવા સંજોગોમાં દાવ દેનાર ટીમનો કોઈ બીજો સભ્ય કામચલાઉ ધોરણે વિકેટ કીપર તરીકે જવાબદારી સંભાળે છે. કીપરની ભૂમિકા ક્રિકેટના નિયમોના 40મા નિયમ દ્વારા અનુશાસિત થાય છે.[]

ઉદ્દેશો

[ફેરફાર કરો]

કીપરની મહત્ત્વની કામગીરી બૅટ્સમૅન પાસેથી નીકળેલા દડાને રોકવાની હોય છે (જેથી દાવ લેનાર ટીમના રન રોકી શકાય), પરંતુ તે વિવિધ રીતે બૅટ્સમૅનને આઉટ કરવાનો પણ પ્રયત્ન કરી શકે છેઃ

  • બૅટ્સમૅનના બૅટ સાથે અથડાઈને આવતા દડાને, જેને એજ કહેવાય છે, તે દડો ઉપર ઉછળીને જાય તે પહેલાં પકડવાની એટલે કૅચ કરવો એ બૅટ્સમૅનને આઉટ કરવાની અત્યંત સામાન્ય પદ્ધતિ છે. કીપર એવી શ્રેષ્ઠ સ્થિતિમાં ઊભો હોય છે કે ક્યારેક બૅટ્સમૅનનો ફટકારેલો દડો હવામાં ઊંચો ઉછળે ત્યારે તેને કૅચ પણ કરી શકે છે. ફીલ્ડિંગમાં વિવિધ સ્થળે ઊભેલા બીજા કોઈ ખેલાડીઓ કરતાં વિકેટ-કીપરો દ્વારા વધુ કૅચ પકડવામાં આવે છે.
  • જો બૉલર દ્વારા દડો ફેંકે એ વખતે બૅટ્સમૅન તેની ક્રીઝથી બહાર ચાલ્યો ગયો હોય તો કીપર દડો પકડી, દડાના ઉપયોગથી સ્ટમ્પ્સ પરની ગિલ્લી (બેલ્સ) પાડીને બૅટ્સમૅનને સ્ટમ્પ આઉટ કરી શકે છે.
  • જ્યારે બૅટ્સમૅન દડાને ફટકારીને મેદાનમાં દૂર મોકલીને રન લેવા માગે છે ત્યારે કીપર સ્ટમ્પ્સની નજીક આવી જાય છે અને ફીલ્ડર તરફથી પાછો આવતો દડો પકડી લે છે અને, જો શક્ય હોય તો બૅટ્સમૅનને રનઆઉટ કરે છે.

કીપરની સ્ટમ્પ પાછળ ઊભા રહેવાની સ્થિતિ બૉલર પર અવલંબે છેઃ ફાસ્ટ બૉલિંગ વખતે તે પોતાના ઘૂંટણ વાળીને સ્ટમ્પથી થોડે દૂર ઊભો રહે છે, જેથી તેમાં બૅટ્સમૅનના બૅટ સાથે અથડાઈને આવતા દડાને પ્રતિક્રિયા આપવા માટે થોડો સમય મળી શકે, જ્યારે બૉલર દ્વારા ધીમી ગતિએ ફેંકાતા દડા માટે તે સ્ટમ્પ્સથી વધુ નજીક આવશે (આ સ્થિતિને "સ્ટેન્ડિંગ અપ" કહેવાય છે), તેથી બૅટ્સમૅન પર ક્રીઝમાં જ રહેવાનું દબાણ વધારી શકાય, અન્યથા તેણે સ્ટમ્પ આઉટ થવાનું જોખમ ઉઠાવવું પડે. વધુ કુશળ કીપર તેજ ગતિએ ફેંકાતા દડા સામે પણ સ્ટમ્પની નજીક "સ્ટૅન્ડ અપ" સ્થિતિમાં ઊભા રહેવા સમર્થ હોય છે, દાખલા તરીકે ગોડફ્રી ઇવાન્સ ઘણીવાર ઍલેક બેડસર સામે સ્ટમ્પ્સથી નજીક ઊભો રહ્યો હતો. [૧]

વિકેટ-કીપિંગ એ વિશેષજ્ઞ શાખા છે, જેમાં વિશેષજ્ઞ બૅટ્સમૅન અથવા બૉલરના અપેક્ષિત સ્તર સાથે સતત તાલીમની જરૂર છે. જો કે, આધુનિક સમયમાં કીપર વાજબી બૅટિંગ કુશળતા ધરાવતો હોય તેવી પણ અપેક્ષા રાખવામાં આવે છે, જે ઓછામાં ઓછા મધ્ય ક્રમના બૅટ્સમૅન માટેની કુશળતા સાથે સુસંગત હોય. જે વિકેટ-કીપરો ઉચ્ચ ક્રમે આવીને બૅટિંગ કરવાની ક્ષમતા ધરાવતા હોય તેઓ અનૌપચારિક ભાષામાં કીપર/બૅટ્સમૅન તરીકે જાણીતા છે.

જ્યારે ક્રિકેટની રમતમાં કીપર માટે ફક્ત એક જ જગ્યા હોય છે ત્યારે પસંદગીકારો (ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે) ઘણી વખત બે અથવા વધુ કુશળ કીપરોની પસંદગીમાં મૂંઝવણ અનુભવે છે. ઘણીવાર બે કીપરો માંહેનો એક વૈકલ્પિક કીપર હોય છે, પરંતુ તે ફક્ત એક સરેરાશ બૅટ્સમૅન હોય છે, જ્યારે બીજો કીપર/બૅટ્સમૅન હોય છે, જે સ્પષ્ટરૂપે બૅટિંગમાં વધુ સારો હોય છે, પરંતુ તેના હરીફ જેટલો સારો કીપર નથી હોતો. આવી એક પસંદગી દ્વિધા 1990ના દશકમાં ઇંગ્લૅન્ડની ટીમે જૅક રસેલ (માત્ર કીપર) અને ઍલેક સ્ટેવર્ટ (કીપર/બૅટ્સમૅન) વચ્ચે અનુભવી હતી. 1998 સુધી, જ્યારે રસેલ ધીરો પડવા લાગ્યો, ત્યાં સુધી તેઓ આ બંને વચ્ચેની પસંદગીમાં ક્યારેય સાતત્ય જાળવી રાખવા સમર્થ રહ્યા નહોતા; ત્યાં સુધી તેઓ નિયમિતરૂપે એ ભૂમિકાની અદલાબદલી કરતા રહ્યા હતા. ઘણી વખત વિકેટ-કીપિંગ ન કરવાનું હોય ત્યારે પણ સ્ટેવર્ટ પોતાની બૅટિંગ કુશળતાને પ્રતાપે પોતાનું સ્થાન જાળવી રાખી શકતો હતો. બીજો એવો મુખ્ય દાખલો છે પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલનો, જે ખૂબ જ અસ્થિર વિકેટકીપર તરીકે સહેલી તકો ગુમાવવા માટે જાણીતો છે, તેમ છતાં તેના વૈકલ્પિક ખેલાડીઓ (વિકેટકીપરો) કરતાં ઉલ્લેખનીય રીતે વધુ સારું બેટિંગ કરવાને કારણે તે છેલ્લા એક દશકથી ટીમમાં ટકી રહ્યો છે. મહેન્દ્રસિંઘ ધોની, કુમાર સંગકારા, બ્રેન્ડન મેકુલમ અને માર્ક બાઉચર ક્રિકેટમાં આજે ઉચ્ચ કીપર/બૅટ્સમૅન છે.

કીપર કપ્તાનની ભૂમિકા પણ નિભાવી શકે છે. વિલક્ષણતાપૂર્વક, તેઓ દાવની પ્રત્યેક ડિલિવરી સાથે સામાન્ય રીતે સંકળાયેલા હોય છે, અને કદાચ જોવાની એવી સ્થિતિમાં હોય છે જે ટીમનો કૅપ્ટન ચૂકી જાય છે. તેઓ વારંવાર બૉલરને પ્રોત્સાહન આપતા સંભળાય છે, અને કદાચ તેઓ બૅટ્સમૅનની કુશળતા, દેખાવ અથવા વ્યક્તિગત આદત વિશે બરાબર યોગ્ય સમયે (મોટેથી નહીં પણ અછડતાં જ) ટિપ્પણી કરીને તેની "ખીંચાઈ" કરવાના વ્યવહારમાં પણ લિપ્ત થઈ જાય છે .

કીપર એક માત્ર ફીલ્ડર હોય છે જેને રક્ષણાત્મક સાધનો વડે બૉલને અડવાની છૂટ હોય છે, ખાસ કરીને મોટી ગાદીવાળાં હાથમોજાં, જેની તર્જની (પહેલી આંગળી) અને અંગૂઠા વચ્ચે જાળ રચિત હોય છે, પરંતુ બીજી આંગળીઓ સુધી એવી જાળ હોતી નથી. હાથમોજાંથી મળતું સંરક્ષણ હંમેશાં પૂરતું નથી હોતું. ઇંગ્લૅન્ડનો કીપર ઍલન નોટ ક્યારેક વધારાની ગાદી માટે પોતાનાં હાથમોજાંમાં જાડા ટુકડાઓ રાખતો. વિકેટ-કીપરો પગ પર મોટાં પૅડ અને જાંઘના વિસ્તારના રક્ષણ માટે બૉક્સ પણ પહેરતા હોય છે.

વિકેટ-કીપરોને તેમના પૅડ અને માથા પરના ટોપ કાઢી નાખવાની પણ છૂટ હોય છે, અને જ્યારે મૅચ ડ્રૉ તરફ ધીમી ગતિએ આગળ વધતી હોય અથવા બૉલિંગ ટીમ વિકેટ લેવા માટે ખતરનાક બનતી હોય ત્યારે આમ થતું જોવા મળવું અસામાન્ય નથી. બે કીપરોએ પોતાનાં પૅડ કાઢી નાખ્યાં અને પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં હૅટ-ટ્રિક્સ લીધી. 1954-55માં કટકમાં બંગાળ વિરુદ્ધ ઓરિસ્સા માટે પ્રોબિર સેને અને 1965માં ક્લૅક્ટનમાં વૉર વિકશાયર વિરુદ્ધ એસેક્સ માટે એ.સી. (ઍલન) સ્મિથે આ ચમત્કાર કર્યા હતા; સ્મિથ તો તેમાં એકદમ વિલક્ષણ ખેલાડી હતો કે તે શરૂઆતમાં વિકેટ-કીપર હતો, પરંતુ ક્યારેક તેને આગલી હરોળના બૉલર તરીકે પસંદ કરવામાં આવતો હતો.

વિકેટ કીપરની અવેજીમાં

[ફેરફાર કરો]

ક્રિકેટના નિયમોના નિયમ 2 પ્રમાણે, વિકેટ કીપરની અવેજીમાં (બીમાર અથવા ઇજાગ્રસ્ત ખેલાડીનું સ્થાન અવેજીમાં) તેના સ્થાને બીજો કોઈ ખેલાડી વિકેટ ન સાચવી શકે.[૨] સંગ્રહિત ૨૦૧૦-૦૨-૨૧ ના રોજ વેબેક મશિન

આ નિયમને બૅટિંગ પક્ષના કૅપ્ટન સાથેના કરાર દ્વારા ક્યારેક સ્થગિત કરી દેવામાં આવે છે, જો કે નિયમ 2માં આવા કોઈ કરાર માટે જોગવાઈ કરવામાં આવી નથી. દાખલા તરીકે, 1986માં ઇંગ્લૅન્ડ-ન્યૂઝીલૅન્ડ વચ્ચે લોર્ડ્ઝ ખાતે રમાયેલી ટેસ્ટ મૅચ દરમિયાન ઇંગ્લૅન્ડનો વિશેષજ્ઞ કીપર બ્રુસ ફ્રેંચ ઇંગ્લૅન્ડના પહેલા દાવ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. પછી ઇંગ્લૅન્ડ ન્યૂઝીલૅન્ડના પહેલા દાવમાં 4 કીપર્સનો ઉપયોગ કર્યો હતોઃ પહેલી બે ઑવર માટે બિલ ઍથેને રાખવામાં આવ્યો; તુરંત 45 વર્ષના જૂના અનુભવી બૉબ ટેલરને આયોજકોના તંબુમાંથી કીપર તરીકે 3થી 76 ઑવર માટે બોલાવવામાં આવ્યો; ઑવર 77થી 140 માટે હૅમ્પશાયર કીપર બૉબી પાર્ક્સને બોલાવવામાં આવ્યો; અને દાવના છેલ્લા દડા માટે બ્રુસ ફ્રેન્ચે વિકેટ સંભાળી.

ટેસ્ટ મૅચના અગ્રગણ્ય વિકેટ-કીપરો

[ફેરફાર કરો]

નીચેના વિકેટ-કીપરોએ ટેસ્ટ ક્રિકેટમાં 200 અથવા તેથી વધુ ખેલાડીઓને તંબુ ભેગા કર્યા છે.[]

આઉટ કરેલા ખેલાડીઓની સંખ્યા મુજબ, ટેસ્ટ મૅચના અગ્રગણ્ય વિકેટ કીપરો 1
ક્રમ નામ દેશ મૅચ કૅચ પકડ્યા સ્ટમ્પ ઉડાડ્યા આઉટ કરેલા ખેલાડીઓની કુલ સંખ્યા
માર્ક બાઉચર2* દક્ષિણ આફ્રિકા 131 472 22 494
ઍડમ ગિલક્રિસ્ટ ઑસ્ટ્રેલિયા 96 379 37 416
ઈયાન હેઅલી ઑસ્ટ્રેલિયા 119 366 29 395
રોડ માર્શ ઑસ્ટ્રેલિયા 96 343 12 355
જેફ્રી દુજોન વેસ્ટ ઈન્ડિઝ 81 267 5 272
ઍલેન નોટ ઇંગ્લૅન્ડ 95 250 19 269
ઍલેક સ્ટેવાર્ટ ઇંગ્લૅન્ડ 82 227 14 241
વસીમ બારી પાકિસ્તાન 81 201 27 228
રિડ્લી જેકોબ્સ વેસ્ટ ઈન્ડિઝ 65 207 12 219
10 ગોડફ્રેય ઈવાન્સ ઇંગ્લૅન્ડ 91 173 46 219
11 ઍડમ પારોરે ન્યૂઝીલૅન્ડ 78 197 7 204

કોષ્ટકમાંની નોંધો

  1. 6 એપ્રિલ 2010 મુજબ આ આંકડાકીય માહિતી સાચી છે
  2. વર્તમાન ખેલાડી સૂચવે છે

વન-ડે (એક દિવસીય) ક્રિકેટ મૅચના અગ્રગણ્ય વિકેટ-કીપરો

[ફેરફાર કરો]

નીચેના વિકેટ-કીપરોએ વન-ડે (એક દિવસીય) ક્રિકેટમાં 200 અથવા તેથી વધુ ખેલાડીઓને તંબુ ભેગા કર્યા છે.[]

આઉટ કરેલા ખેલાડીઓની સંખ્યા મુજબ, વન-ડેના અગ્રગણ્ય વિકેટ કીપરો 1
ક્રમ નામ દેશ મૅચ કૅચ પકડ્યા સ્ટમ્પ ઉડાડ્યા આઉટ કરેલા ખેલાડીઓની કુલ સંખ્યા
ઍડમ ગિલક્રિસ્ટ ઑસ્ટ્રેલિયા 287 417 55 472
માર્ક બોઉચર2* દક્ષિણ આફ્રિકા 291 399 22 421
કુમાર સંગાકારા2* શ્રીલંકા 267 235 66 301
મોઇન ખાન પાકિસ્તાન 219 214 73 287
ઈયાન હેઅલી ઑસ્ટ્રેલિયા 168 194 39 233
રશીદ લતીફ પાકિસ્તાન 166 182 38 220
રોમેશ કાલુવિથરાના શ્રીલંકા 189 131 75 206
મહેન્દ્રસિંઘ ધોની* ભારત 162 154 52 206
જેફ્રી દુજોન વેસ્ટ ઈન્ડિઝ 169 183 21 204

કોષ્ટકમાંની નોંધો

  1. 6 એપ્રિલ 2010 મુજબ આ આંકડાકીય માહિતી સાચી છે
  2. વર્તમાન ખેલાડી સૂચવે છે

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • ઑલ-રાઉન્ડર
  • બૅટ્સમૅન
  • બૉલર
  • કૅપ્ટન
  • કૅચ પકડનાર
  • ક્રિકેટની પારિભાષિક શબ્દાવલી
  • ફીલ્ડર
  • ઉભડક બેસવાની સ્થિતિ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Law 40 The Wicket Keeper". Lords Home of Cricket. મૂળ માંથી 2010-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-06-23. સંગ્રહિત ૨૦૧૦-૦૨-૨૧ ના રોજ વેબેક મશિન
  2. "Law 40 The Wicket Keeper". Lords Home of Cricket. મૂળ માંથી 2010-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-06-23. સંગ્રહિત ૨૦૧૦-૦૨-૨૧ ના રોજ વેબેક મશિન
  3. "Wicketkeeping Records most Test Match dismissals in a career". Cricinfo. 2010-04-07.
  4. "Wicketkeeping Records most ODI dismissals in a career". Cricinfo. 2010-04-07.

ઢાંચો:Cricket positions