લખાણ પર જાઓ

જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ પહેલો

વિકિસ્રોતમાંથી
← અંક પહેલો - પ્રવેશ સાતમો જયા-જયન્ત
અંક બીજો - પ્રવેશ પહેલો
ન્હાનાલાલ કવિ
અંક બીજો - પ્રવેશ બીજો →




પ્રવેશ પહેલો

સ્થલકાલઃ વામીઓના મન્દિરમાં ઉત્સવ
——:——
દેવી સિંહાસને વિરાજ્યાં છે. પાછળ દેવાંગનાઓનો પરિવાર ઉભો છે. એક પછી એક ઉપાસક આવે છે.

દેવી : પધારો, પંડિતરાજ !

ખોટાને પણ સાચું કરવું
તે પાંડિત્યનું પરમ ભૂષણ.

પંડિતરાજ: સાચું તો સાચું છે જ;

એમાં સિદ્ધ શું છે કરવાનું ?
સાચું સિદ્ધ કરવા શાસ્ત્રો નથી;
એમાં તો પુનરુક્તિ દોષ આવે.
અવનવો અર્થ કહાડિયે અમે
ત્ય્હારે જ પંડિતોનું પાંડિત્ય.
(દેવીને નમન નમીને મંડળમાં ભળે છે.)

દેવી : આવો, કવિશેખર !

શાં શાં કાવ્યે વધાવશો ઉત્સવને આજ ?

કવિશેખર : રસમંજરીનો મુગટ શૃંગાર રસ;

ને શૃંગારનો આત્મા કામ;
અર્થાત કવિતાનો આત્મા કામ.
મહાકામીને જ હોય મહાક્લ્પના.
(નમન નમી સંઘમાં ભળે છે.)

દેવીઃ પધારો, રાજવી !

વાટનો શ્રમ ચ્‍હડ્યો હશે.

રાજવીઃ શ્રમ તો ક્ષત્રીઓને છે જ નહીં;

ત્‍હેમાં યે સ્વયંવરમાં સાંચરતાં.
સારી પૃથ્વીમાં શોધિયે પરીઓને તો.
(નમી ઉપાસકોમાં જાય છે.)

દેવી : નમસ્કાર, નારાયણમૂર્તિ!

આચાર્યજી હમણાં જ પધારશે.

સંન્યાસી : આજ ઉત્સવ છે ગુરૂની અમાસનો,

ને ઉતરશે કંઇ કંઇ અપ્સરાઓ
આજના ઉત્સવના રંગમંડપે;
એટલે આવ્યો અહીં.
નહિ તો મ્હારે ય તે
બહુ દેવાના બોધ છે બાકી.
(સહપરિવાર આચાર્યજી પધારે છે. વામીમંડળ નમસ્કાર કરે છે. દેવી પાસે આચાર્ય સિંહાસને વિરાજે છે.)

આચાર્યઃ દેવિ ! આજ્ઞા છે મ્હારા સન્તોને ?

દેવીઃ ગાવ, સન્તો ! ગાવ

યૌવનના ઉત્સવનું ગીત.
યૌવન એ જ છે જીવનનો દિવસ;
ને કામદેવ એ જ છે
તે દિવસનો ભાસ્કર.
(દેવી ગવરાવે છે ને સહુ ગાય છે.)
ભુવન ભવન મદનનાં મહારાજ્ય રે,
ગાવ-ગાવ ગીત મદનરાજનાં, સખિ !
ગાવ-ગાવ ગીત મદનરાજનાં, સખિ !
સુન્દરી વિનાનું નથી સદન કો, સખિ !
સુન્દરીને નયન એના વાસ રે,
ગાવ-ગાવ ગીત મદનરાજનાં, સખિ !
ફૂલડાં વિનાની નથી વાડી કો સખિ !
ફૂલફૂલથી ઉડે એનાં બાણ રે,
ગાવ-ગાવ ગીત મદનરાજનાં, સખિ !

આચાર્ય : (વેદમાંથી કામસ્તુતિ ભણે છે.)

कोदात्, कास्माsदात्,
कामोदात्, कामायादात,

कामोदाता, कामः प्रतिगृहीताः

कामै तत्ते.
વેદે ગાઇ છે એમ કામસ્તુતિઃ
તો કામનીંદક તે વેદવિરોધી.
સન્તો ! આજ ઉત્સવ છે
ગુરુની અમાવાસ્યાનો;
માણજો મન્દિરમાં મનભર.
આ રાજકુમારીને દેવી સ્થાપ્યાં
ત્ય્હારથી ઓર જ ખીલી છે
સહુ રતિપુત્રીઓની યે રમણા.
શરીર એ જ છે સાચું;
આત્મા દીઠો હોય તે દાખવે.
महाजनाः येन गताः स पन्थः
ચાર્વાકાદિ મહાજનો ગયા
એ જ આપણો રાજમાર્ગ.

દેવી : સુખ તે મોક્ષઃ

મન્મથ તે જ મહાપ્રભુઃ
ઈચ્છા પૂરવી તે જ સદ્ધર્મ.
મ્હને દેવી સ્થાપી,
તો મ્હારો યે ધર્મ જ છે કે
સહુ સન્તોને દેવી આપવી.
જૂવો આ મ્હારા સૌન્દર્યના ફૂલછોડ,
સુખશય્યાઓ સમી રતિરમણીઓ.
આજનો મહિમા
એ જ આપણો આદ્ય મન્ત્ર.
લ્યો એક એક યૌવનરાણી,
ને ઉજવો એમ આજનો મહિમા.

વામીઓ : જય ! વામમાર્ગનો જય !

(સહુ સુન્દરી શોધવા જાય છે. ભૂલી પડેલી જયાકુમારી મન્દિરને બારણે આવે છે.)

જયા : દેવનાં તો દ્વાર હો ! બતાવો-બતાવો કોઇ;

ભૂલ્યાંને તો બાર હો ! બતાવો-બતાવો કોઇ;
બતાવો-બતાવો કોઇ.
હતી દિનની પ્રભા, સન્ધ્યા પડી ત્‍હેમાં;
ઉડી સન્ધ્યા ય, આ મધરાતનાં વન હો !
જગતની મેઘલી જામી ગગનભરમાં;
ડૂબ્યા જ્યોતિ જીવનના, એ જગાવો કોઇ;
જગાવો-જગાવો કોઇ;
જગાવો-જગાવો કોઇ;
ભૂલ્યાં ને તો બાર હો ! બતાવો-બતાવો કોઇ;
દેવનાં તો દ્વાર હો ! બતાવો-બતાવો કોઇ.
અન્ધારી છે અમાસ આજે.
વગડામા ભૂલી પડી,
ન જડ્યો તીર્થનો માર્ગ.
પૃથ્વી પ્રભુની છે,
તો યાત્રાળુ કાં ભૂલાં પડે?
દેવધામ સમા ગિરિરાજ છાંડ્યા;
ભટકું છું પશુઓના મહાવનમાં.
આ ઉદ્યાનમાં દીપાવલિ બળે છે,
મધ્યરાત્રિનો કીધો છે દિવસ.
લાવ, પૂછું ત્ય્હાં.
બતાવશે કો પુણ્યક્ષેત્રનો માર્ગ.
(મન્દિરમાં જાય છે. વામીઓને જોઇ ચમકે છે.)
અરે ! આ કોણ ? પાપનાં પૂતળાં?
(વિચારે છે.)
શ્રી કૃષ્ણનો રાસ હશે.
(વામીઓને)
ભાઇ ! ભૂલ્યાંને માર્ગ દાખવશો?

આચાર્ય : એ જ અમારૂં કર્તવ્ય.

જગત ભૂલ્યું છે એ બધું;
ત્‍હેને દાખવિયે છીએ મહામાર્ગ સુખનો.

દેવી : ભલે પધાર્યાં અમારે મન્દિરિયે.

મ્હારી તારલીઓના સંઘમાં
જાણે ચન્દ્રમા ઉગ્યો આજ.

જયા : કોણ ! દાસી ? અહીંની દેવી ?

દેવી : હા, દેવી. જયા કુમારી !

જયા : સ્‍હમજે છે બધું.

આ તો વામીઓનું વન સળગે છે.
અઘોર વનના અન્ધકારમાં
હું કોને હાથ પડી આ ?

દેવી : પરાયાં કોઇને યે નહીં;

તિરસ્કારી હતી તે સાહેલીને.
પધારો મ્હારા સન્તોને દેશ,
ને ઉતારો તમારી સાધુતા.

જયા : વીસર ! તું ગિરિદેશના દેવસન્તોને.

દાસી ! પિછાને છે તું
પુણ્યને કે પાપને ?
ઓળખે છે અનીતિ કે નીતિને ?
સુણ્યા છે શીલ કે સદાચાર ?

વામીઓ : અરે ! દેવી કે દાસી ?

રાજકુમારી કે જગત્ પત્ની ?

આચાર્ય : (વામીઓને)

જાવ સહુ ઉત્સવમંડપમાં;
સ્થાપના કરો કામદેવની;
ધારણ કરો કામભૂષણો.
અમે આવિયે છીએ દેવી સંગાથે.
(વામીઓનાં સહુ જોડાં રમતાં રમતાં સીધાવે છે.)

દેવી : પુણ્ય ? નીતિ ? સદાચાર ?

છે કોઈ માનવી માનવલોકમાં
મનમાં યે ન ઇચ્છયાં હોય
પાપ કે અનાચાર જેણે ?
દીઠો હોય તો દાખવો.
જન્મ્યો છે કો સદાચરણી સર્વ કાલમાં
ફરકી યે ન હોય જેના આત્માની પાંદડી
કદી યે અનીતિના અનિલથી ?
શીલનાં તો વસ્ત્રો જ છે સૌનાં,
શયતાનનાં છે શરીર.
જયા કુમારી ! આવો અમારા રંગમેહલમાં,
ને ભોગવો દેવોના ઉપભોગ.
જેટલી રાત્રિઓ છે, એટલા છે રસિયા.

જયા : જેવો આહાર, એવો ઉદ્‍ગાર.

હિંસાના અગ્નિમાં હિમ ક્ય્હાંથી ?

આચાર્ય : કુમારી ! जीवो जीवस्य जीवनम् ।

હિંસા તો જીવનક્રમ છે.
પાણીનો એક ઘૂંટડો પીતાં
કેટકેટલાં મારો છો પોરાઓને?
હવામાંથી એક શ્વાસ લેતાં
કેટકેટલાં સંહારો છો વાયુસન્તાનોને ?
ક્ય્હાં-કિયા શાસ્ત્રમાં છે
પ્રત્યવાય જે પ્રાયશ્ચિત માંસાહારનું ?
હિંસા એ પાપ નથી.
આવો અમારા આશ્રમમાં;
સંન્યસ્તનો નહીં, પણ સુખનો છે.

જયા : (સ્વગત)

એ જ ! એ ને ? એ જ;
ગિરિદેશનો યોગભ્રષ્ટ યોગી
ચાહન
किं न जल्पन्ति मद्यपाः ?
ત્‍હમારી સાથે વાદ શા?
બોલતાં યે જીવ અભડાય.

દેવી : સુરા ? ઓ જયા કુમારી !

સુરા ને સોમ તો છે
બે ઓરમાન ભાઇબ્‍હેન;
એમના વિના યજ્ઞ સંભવે નહીં.
એ પીધે ઉઘડે છે
ત્રીજું લોચન તુરિયાદર્શનનું.
શીખી લ્યો, ઓ રાજકુમારી !
સુરા તો છે કામયજ્ઞનું અમૃત.
આવો, પીઓ, ને અમ્મર થાવ.

જયા : દાસી ! પાપના અન્ધકાર છાંડ,

જા પુણ્યના પરમ સંસારમાં.
કામ ત્યાગી પ્રેમ પારખ.
લગ્નના લ્હાવા લે,
પત્ની થઇ પુનરુદ્ધાર પામ.

દેવી : કિયા સંસારમાં છે, ઓ કુમારી !

કામ વિનાનો પ્રેમ ?
અમારા યે લગ્ન છે, તમ જેવાં;
ત્‍હમારાં જીવન જીવનનાં,
અમારાં દિવસ દિવસનાં
મૂકી, વટાવી, કૂદી ગઇ
પત્નીધર્મનાં ખાબોચિયાંની પાળો.
ઝીલું છું મહાજલમાં હવે.
હું સહુની પત્ની,
ને સહુ મ્હારા પતિ.
સૌન્દર્ય ને યૌવનનો આ અમ નન્દન.
વસો એ અલબેલાં અમરોમાં,
ને શીખો માણતાં અપ્સરાજીવન.

(કાળમુખો પારધી આવે છે.)

પારધી : શોધ્યું વગડા વગડામાં;

ન લાધ્યું મ્હારૂં હરણિયું.
જાણે કોઇ અપ્સરા ઉતરી'તી
વનની વેલોમાં રમવા.
શો રૂપરૂપનો ભંડાર !
જાણે ચંદરમા ચાલ્યો ધરતી ઉપર.
દીવાઓએ દોરી હશે અહીં;
ચાલ જોઉં મન્દિરમાં.
(મન્દિરમાં જાય છે. જયાને જોઇને)
એ જ, એ જ જોબનની ઝાળ.
આચારજ ! ચેતજે, ન ઉતરતો આડો;
મ્હારૂં તીર છે જમનું ઘડેલું.

આચાર્ય : રસનાં પખવાડિયાં પાળિયે છીએ.

રોજ રોજ ઉગે છે
રસચન્દ્રની અવનવી કલા
અમારા જીવનની આભમાં.
ખેલશું આજના ઉત્સવમાં આપણે ?
(જયા કુમારીને અડવા જાય છે.)

દેવી : કુમારીએ નથી પીધી

આપણી મદિરા હજી.
પાઇયે એના બે ઘૂંટ
કે ખોલે ઘટના ઘુંઘટ પછી.
(મદિરા લેવા જાય છે.)

આચાર્ય : કુમારી ! આપણે એકલાં જ છીએ.

આપશો રસની ભિક્ષા ?
ભરેલા ભંડાર છતાં નકારશો ?
આવો, યૌવનને ઉજવિયે.

જયા : કોઇ નથી ત્ય્હાં યે પ્રભુ છે.

ગિરિદેશનાં સન્તાન પાપ સ્‍હમજતાં નથી.
જો પડશે ગેબનું વજ્રબાણ,
ને વીંધશે હલાહલ ભર્યું હૈયું ત્‍હારૂં.
(આચાર્ય અડપલું કરવા જાય છે. એક બાણ આવી વીંધે છે તેનું હૈયું. દેવી સુરા લઇને આવે છે; પારધી પ્રત્યક્ષ થાય છે.)

આચાર્ય : આવ્યું, આવ્યું યમનું બાણ.

માર્યો મ્હને, કુમારી !
પણ વામમાર્ગ નહીં મરે.
મનમાંના શયતાનને મારશો,
તો જ મરશે પાપપન્થ.
ત્ય્હાં સૂધી અનેક રૂપે અવતરશે એ
ભવિષ્યની ભૂમિઓને યે ભરી ભરી.

(મૃત્યુ પામે છે.)

પારધી : સુન્દરી ! ચાલો મ્હારી ગુફામાં.

યોજનભરનાં વન વસ્યાં છે,
એ વનમાં હું વસું છું;
વનનો જાણે વાઘ.
ત્ય્હાં વસીશું આપણે
વનનાં વાઘ અને વાઘણ.

જયા : તણખામાંથી ભડકામાં.

ક્ય્હાં દોડીશ ! કેટલું દોડીશ ?
ગિરિશિખરો કૂદતી છલંગે,
વનની ઘટાઓ વીંધાશે મુજથી ?

પારધી : વાઘણે તો નથી વીંધ્યો

વનનાં ઝુંડનો મારો કિલ્લો.
(જયા નાસે છે, પાછળથી પારધી દોડે છે.)

દેવી : હાશ, રોગમાંથી મોતમાં.

થતી હતી દેવની ડાહિલી.
બચજે એ વરૂના પંજામાંથી.
દેવીની દાસી કરશે એ;
બની હું તો અહીં
દાસીની દેવી. -
હવે સુરા કોને પાઉં ?
આચાર્યનો તો અસ્ત થયો.
પણ આથમે તે ઉગવાને માટે.
આચાર્ય મરે, પણ ગાદી મરતી નથી;
ગાદીપતિ મરે, પણ ગાદી મરતી નથી.
આજ ગુરુની અમાસનો છે ઉત્સવ.
આચાર્યનું શબ શેકી ભોજન કરીશું.
આવો, ઉત્સવવાસીઓ !
આદરો ઉત્સવ ગુરુની અમાસનો.
ભુવન ભુવન મદનનાં મહારાજ્ય રે,
ગાવ ! ગાવ ! ગીત મદનરાજનાં, સખિ !
(ગાતી ગાતી ઉત્સવમંડળી ઉત્સવ માટે આવે છે.)